Ahmedabad, EL News
ખાલિસ્તાની પ્રવૃત્તિ સામે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં પણ ખાલિસ્તાની પ્રવૃત્તિ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાત શીખ સમાજ દ્વારા રાષ્ટ્ર ધ્વજ સાથે ખાલિસ્તાની પ્રવૃત્તિ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સાથે જ વિદેશમાં ભારતીય તિરંગાના અપમાન મામલે પણ ગુજરાત શીખ સમાજે રોષ વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, ખાલિસ્તાની પ્રવૃત્તિઓ સામે રોષ ઠાલવવા અને દેશ માટે પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા ગુજરાતના શીખ સમાજે ગુરુવારે રાષ્ટ્રધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજિત કૌર છાબડાએ જણાવ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે શીખ ધર્મ હંમેશા અગ્રેસર રહ્યું છે અને અમને ભારત દેશના નાગરિક હોવાનો તેમ જ ભારતીય હોવાનો ગર્વ છે. શીખ સમાજ કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના અન્ય દેશોમાં કે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની રહી છે તેની ઘોર નિંદા કરે છે.
આ પણ વાંચો…અદાણી સ્ટોક બન્યો રોકેટ ઇન્વેસ્ટર્સના પૈસા 15 દિવસમાં ડબલ
વિદેશમાં ભારતીય તિરંગાના અપમાન સામે વિરોધ
આ સાથે તેમણે જણાવ્યું કે, વિશ્વના કેટલાક દેશોમાં અસામાજિક તત્ત્વોએ ધર્મિક સ્થળોની દિવાલ પર ખાલિસ્તાનનું નામ લખ્યું અને નારા લગાવ્યા તેનો શીખ સમાજ બહિષ્કાર કરે છે અને વિરોધ કરે છે. કેટલાક દેશમાં ભારતીય તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે તેની પણ શીખ સમાજ નિંદા કરે છે અને આવું કરનારા લોકોનો વિરોધ કરે છે. શીખ સમાજ માટે ભારત દેશનો તિરંગો સર્વોપરી છે. તેમણે કહ્યું કે, શીખ સમાજે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને કલેકટરને આવેદન પત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં આ પ્રકારે રાજ્યભરમાં ખાલિસ્તાની પ્રવૃતિનો વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જ્યાં પણ શીખ સમાજ વસે છે ત્યાં શીખ સમાજના લોકો પણ આવેદનપત્ર આપીને ખલિસ્તાની પ્રવૃત્તિઓનો વિરોધ કરશે.