Porbandar, EL News
વિશ્વમાંથી પોલીયો રોગ નાબુદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં તારીખ ૨૮/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોલીયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં પોલીયો એસ.એન.આઈ.ડી. રાઉન્ડની કામગીરી ક્ષતિરહિત તેમજ લક્ષ્યાંકને સિધ્ધ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર કે. ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્કફોર ઈમ્યુનાઈઝેશનની મીટીંગ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં પોરબંદર જિલ્લામાં પોલીયો રસીકરણ કામગીરીમાં વધુમાં વધુ સિધ્ધી મળી રહે તે માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
પોલીયો રસીકરણ કામગીરીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકરો તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સંકલનમાં રહી હાઈરીસ્ક વિસ્તાર, સ્લમ વિસ્તાર, ઈંટોના ભઠઠા, ઔદ્યોગીક એકમો, દુર્ગમ ઝુપડપટ્ટીઓ, નેસ વિસ્તારને આવરી લઈ પોલીયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ જિલ્લાના દરેક ગામોમાં લોકો વધુમાં વધુ આ કાર્યક્રમમાં જોડાઈ તથા જાગૃતિ મેળવવા માટે બેનર્સ, રેલીઓ, પોસ્ટર વગેરે માધ્યમોથી માહિતગાર કરવામાં આવે તેવુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો… એક અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીએ કર્યો અગ્નિસ્નાન
પોરબંદર જિલ્લામાં આશરે ૬૨,૫૮૨ બાળકોને પ્રથમ દિવસે ૩૩૯ પોલીયોના બુથ ઉપર તેમજ ૬૭૮ ટીમો તેમજ ૩૩ મોબાઈલ બુથ દ્વારા ઘરે-ઘરે ફરી જિલ્લાના ૦થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયો રોગ સામે લડત આપવામાં આવશે. જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો ઉપર બુથનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૭ ટ્રાન્ઝીસ્ટ બુથ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે. તેમજ વધુમાં વધુ બાળકોને પોલિયો રસી મળી રહે તે માટે સુચનો કર્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.ઠક્કર, અધિક નિવાસી કલેકટર એમ.કે.જોશી, પ્રાંત અધિકારી કુતિયાણા પી.ડી.વાંદા, પ્રાંત અધિકારી પોરબંદર કે.જે.જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઊપસ્થિત રહ્યા હતા.