The Eloquent, Shivam Vipul Purohit:
ડેસર તાલુકાના નવા શિહોર ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહભાગી બન્યા.
નવા શિહોરામાં નવા પીએચસી ઉપરાંત નવ પેટા આરોગ્ય કેન્દ્રો સહિત રૂ. ૨.૭૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ
ડેસર તાલુકાના નવા શિહોર ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહભાગી બન્યા હતા અને સાથે તેમણે આરોગ્યલક્ષી સેવાના રૂ. ૨.૭૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે તારસ્વરે જણાવ્યું કે, જરૂરતમંદો, ગરીબોની મદદ માટે સરકાર હંમેશા માટે તૈયાર છે. આવા અનેક વંચિત પરિવારોના સપના સરકારે સાકાર કર્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોને કાચા મકાનમાંથી મુક્તિ આપી પાકા મકાન, રહેઠાણનું કાયમી સરનામું કરી આપ્યું છે. તેના કારણે ગરીબ પરિવારોને આશરો મળ્યો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની જનકલ્યાણની ગેરેન્ટી લઇને આવે છે, તેમ કહેતા તેમણે ઉમેર્યું કે, આ રથ સાથે ગામમાં લાભાર્થીઓને શોધીને લાભ આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી બાકી ના રહી જાય એ બાબત રથ સુનિશ્ચિત કરે છે. વડોદરા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી થઇ છે. લાભાર્થીઓને તાલુકા કે જિલ્લા મથકે ના જાવું પડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી એ એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જનકલ્યાણના અનેક કામો થઇ રહ્યા છે. વડોદરા જિલ્લાની આરોગ્ય વિષયક સેવાઓને બહેતર બનાવવા માટે નવા શિહોરાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નવ પેટા આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ, એક્સરે મશીન તે ઉક્ત બાબતના ઉદાહરણ છે.
આ પણ વાંચો 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે
આયુષ્યમાન કાર્ડ હેઠળ ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં રૂ. ૧૦ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક કરાવવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ લોકહિતમાં કર્યો છે, એમ કહેતા સંઘવીએ જણાવ્યું કે, ગરીબ પરિવારોને મદદ કરવા માટે સરકાર હંમેશા માટે તત્પર છે.
ગૃહરાજ્ય મંત્રી એ આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી યોજનાકીય લાભો મળ્યા તેમના જીવનમાં આવેલા પરિવર્તનની પૃચ્છા કરી હતી. જિલ્લા પંચાયત દ્વારા અમલમાં મૂકવા આવનારા બાલ આરોગ્યમ પ્રોજેક્ટ, કૃશ સે કૃષ્ણા તકનું લોન્ચિંગ પણ તેમણે કહ્યું હતું.
ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે જણાવ્યું કે, ડેસર તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ ભલે નાનો હોય, પણ વિકાસની દ્રષ્ટિએ આગળ ધપી રહ્યો છે. ગુજરાત સરકારના સતત પ્રયત્નોને કારણે ડેસરમાં અનેક પ્રકારના વિકાસ કામો ઉપરાંત જરૂરતમંદ લોકોને સરકારી યોજનાના લાભ મળી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, અગ્રણી સતિષભાઇ પટેલ, ચેરમેન નરેન્દ્રભાઇ રોહિત, સરપંચ અજિતસિંહ પરમાર, કલેક્ટર અતુલ ગોર, પોલીસ અધિક્ષક રોહન આનંદ, પ્રાંત અધિકારી હિતેશ જોશી સહિતના અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.