Business, EL News
દર વર્ષે ૩૦મી ઓગસ્ટના રોજ દેશમાં ‘‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં નાના કદના ઉદ્યોગો (SEs) ના મૂલ્યવાન યોગદાનને યાદ કરવાનો છે. આ ઉદ્યોગ સાહસો ભારતના આર્થિક માળખાની કરોડરજ્જુ છે, જે દેશની કુલ વસ્તીના નોંધપાત્ર વર્ગ માટે નોકરીની તકોને ઉત્તેજન આપે છે અને નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવના દ્વારા આર્થિક પ્રગતિને વેગ આપે છે.
લઘુ અને મધ્યમ કદના વ્યવસાયો ભારતના આર્થિક પરિમાણોના નિર્ણાયક ઘટકો તરીકે ઊભા છે, જે ઔદ્યોગિક ઉત્પાદનના ૪૦% થી વધુ ભાગનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગો અનેક અડચણો છતાં, સતત વિકાસ પામતા રહે છે અને ભારતના વિકાસ અને સિદ્ધિઓને નોંધપાત્ર રીતે સમૃદ્ધ કરે છે. લઘુ ઉદ્યોગો વિશાળ સંખ્યામાં લોકોને રોજગાર પ્રદાન કરીને ભારતના અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજકોટ એ સૌરાષ્ટ્રના નાના અને મધ્યમ ઉદ્યોગોનું હબ છે. રાજકોટમાં કુલ ૧, ૩૪, ૫૩૯ એમ.એસ.એમ.ઇ યુનિટ કાર્યરત છે, જેમાંથી ૧,૨૯,૫૫૧ જેટલા યુનિટ તો લઘુ ઉદ્યોગોના છે.
આ વિષે વધુ જણાવતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કે.વી.મોરીએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લઘુ ઉદ્યોગોમાં સૌથી વધુ ૮,૯૨૦ જેટલા એન્જિનિયરિંગ ગુડઝ બનાવતા ત્યાર બાદ ક્રમશઃ ૭૯૮૮ જેમ્સ એન્ડ જ્વેલરી, ૪૯૭૧ પ્લાસ્ટિક ગુડઝ તથા કાપડ, ઓટોમોબાઇલ પાર્ટસ વગેરે વસ્તુઓ બનાવતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લામાં અનેક લઘુ ઉદ્યોગો નિકાસકર્તા પણ છે. જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રે રાજકોટનું ચાંદી કામ અને ઇમિટેશન વર્ક વિશ્વવિખ્યાત છે ત્યારે જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશનના સી.એફ.સી. દિવ્યેશભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટા પ્રમાણમાં સોના, ચાંદી અને ઈમીટેશનનુ કામ કરવામાં આવે છે.આ લઘુ ઉદ્યોગોમાં ૩.૫ થી ૪ લાખ જેટલા ભાઈઓ અને ૬ લાખથી વધારે બહેનો કારીગર તરીકે જોડાયેલા છે. ભાઈઓ દ્વારા મુખ્યત્વે સોનાનું કામ કરવામાં આવે છે, જયારે બહેનો દ્વારા મીનાકારી, બંધાર, મોતી ફીટીંગ અને ચાંદીનું કામ કરીને ઘર બેઠા આવક ઊભી કરવાનો મોટો સ્ત્રોત જ્વેલરી સેક્ટર છે. રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટએ ઇમિટેશન ઉદ્યોગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજકોટ જિલ્લામાં ઈમિટેશન ક્ષેત્રમાં મોટા ભાગે લઘુ ઉદ્યોગો કાર્યરત છે.
આ પણ વાંચો…ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ
ત્યારે રાજકોટના ઈમિટેશન એસોસિએશનના ઈ.સી.સી જીજ્ઞેશભાઈ શાહ જણાવે છે કે, રાજકોટમાં ઇમિટેશન ઉદ્યોગના ૧૫ હજારથી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને હોલસેલ આઉટલેટ સ્થાપિત છે જેના દ્વારા આશરે ૩.૫ થી ૪ લાખ લોકોને રોજગારી મળી રહી છે. જેમાં અઢી લાખથી વધુ મહિલાઓ જોડાયેલી છે. ઇમિટેશન ક્ષેત્રમાં રાજકોટ વાર્ષિક આશરે રૂ. ૮૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. રાજકોટથી ઇમિટેશન જ્વેલરીની વસ્તુઓ વિશ્વના અન્ય ૨૭ થી ૩૦ દેશોમાં નિકાસ થાય છે.
લઘુ ઉદ્યોગોની ભંડોળ સુરક્ષિત કરવાની મુશ્કેલીઓ, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમનકારી જટિલતાઓના નિવારણ માટે અનેક સહાયરૂપ યોજનાઓ દ્વારા સરકાર આ નાના ઉદ્યોગોને સતત સહકાર પૂરો પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થયો હતો. ૩૦ ઓગસ્ટ, ૨૦૦૦ ના રોજ સરકારે નાના ઉદ્યોગોને ખીલવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે નવી યોજના રજૂ કરી હતી. આ યોજનામાં કર લાભો, લોનની સરળ ઍક્સેસ અને ટેકનિકલ માર્ગદર્શન જેવા પગલાં સામેલ હતા.
આ યોજનાને મંજૂરી સાથે જ વર્ષ ૨૦૦૧માં સરકારે ૩૦મી ઓગસ્ટને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ ઉજવણી પ્રસંગે ભારતમાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ (SSI)ના વિકાસમાં યોગદાન આપનાર વ્યક્તિઓને સરકાર દ્વારા પુરસ્કારો થકી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.