Gandhinagar, EL News
ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી ૫મી સપ્ટેમ્બરે ગાંધીનગરની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ કંપનીમાં બી.પી.એસ ટ્રેઈની જગ્યા માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી ૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે TCS ગરિમા પાર્ક, IT/ITES SEZ, PLOT NO.41 DAIICT ROAD, ગાંધીનગર ખાતે બી.પી.એસ ટ્રેઈની જગ્યા માટે રોજગાર ભરતીમેળો યોજાશે.
આ પણ વાંચો…શહેરમાં સાયકલ,સ્કુટર વેચાણ અંગે શહેર કમિશનરનું જાહેરનામું
આ ભરતીમેળામાં દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લી. ભાગ લેશે. આ ભરતી મેળામાં ગાંધીનગર જિલ્લાના બી.કોમ, બી.એ, બી.બી.એ તથા બી.એસ.સી જેવી નોન સી.એસ.આઈ.ટી શૈક્ષણિક લાયકાત ધરાવતા અને અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોય તેવા માત્ર ફ્રેશર્સ તથા નોન ટેકનીકલ સ્નાતક ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય તેવા ૧૮ થી ૨૫ વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.
આ ભરતી મેળામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ કંપની દ્વારા ૧ કલાકની લેખિત પરીક્ષા લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના નોકરી વાંછુ ઉમેદવારોને ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ, બાયોડેટા અને પેડ-પેન સહિત ઉપસ્થિત રહેવા માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરી અથવા જિલ્લા રોજગાર કચેરી, સી.વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી શકાશે.