Ahmedabad ,EL News
ભારતે સમગ્ર વિશ્વમાં શહેરી વિકાસના સંદર્ભમાંનાસના વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે તેનું G20નું પ્રમુખપદ સંભાળ્યું. ભારતની G20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતને અનેક કાર્યક્રમો આયોજિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વધુ સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક શહેરોનું નિર્માણ કરવા માટે ગુજરાતના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને 6ઠ્ઠી U20 સાયકલની યજમાની કરવાની તક મળી છે, જે માટે અમદાવાદ ખૂબ ગર્વ અનુભવે છે.
ગુજરાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર ખાતે 6ઠ્ઠી U20 મેયોરલ સમિટનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ આજે U20 પ્રાથમિકતાઓ હેઠળ આવરી લેવામાં આવેલી મુખ્ય પહેલોને પ્રકાશિત કરતા ‘ઇન્ડિયાઝ અર્બન સ્ટોરી’ (ભારતની શહેરી વાર્તા) પરના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.
પોતાના મુખ્ય વક્તવ્યમાં માનનીય મુખ્યમંત્રીએ સ્માર્ટ અને ટકાઉ જીવન જીવવા માટે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક ગુજરાતની શહેરી વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે ટકાઉ વિકાસની આસપાસના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક તરીકે U20 કાર્યક્રમનો ઉપયોગ કરવાની પ્રતિનિધિઓને વિનંતી કરી.
આ પણ વાંચો… તો શું હવે આટલા ઘટી જશે પેટ્રોલના ભાવ?
છઠ્ઠી U20 મેયરલ સમિટનો ઉદ્દેશ્ય G20 ટેબલ માટે છ અગ્રતા ક્ષેત્રોને હાઇલાઇટ કરીને એક કોમ્યુનિક (દસ્તાવેજ) તૈયાર કરવાનો છે. આ અગ્રતા ક્ષેત્રો વૈશ્વિક એજન્ડાઓને પ્રતિસાદ આપવા માટે શહેરી સ્તરની ક્રિયાઓને પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ છે. 35 આંતરરાષ્ટ્રીય અને 25 રાષ્ટ્રીય મેયર પ્રતિનિધિઓ સહિત 60થી વધુ આંતરરાષ્ટ્રીય શહેરો આ કાર્યક્રમમાં સામેલ થયા છે.
અમદાવાદના મેયર કિરીટકુમાર પરમારે તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં ગ્રીન ગ્રોથ, ટ્રાફિક મેનેજમેન્ટ, રિન્યુએબલ એનર્જી, પર્યાવરણ સુધારણા, જાહેર પરિવહન સુવિધાઓ સહિતની અન્ય બાબતોમાં અમદાવાદના શહેરી વિકાસને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે આ બાબતોને લીધે અમદાવાદ 6ઠ્ઠી U20 સમિટની અધ્યક્ષતા કરવા માટે એકદમ યોગ્ય શહેર છે. તેમણે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરતી વખતે પ્રગતિશીલ ભવિષ્ય તરફ કામ કરવા માટે સામૂહિક પગલાં લેવાં એ અગત્યનું છે.