Vadodara, EL News
વડોદરાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો એક બંધ મકાનના તાળા તોડી રૂ. 4.40 લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ધોળા દિવસે ચોરીનો બનાવ થતા ગામજનોમાં ડરનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પરિવાર સાથે રહેતા નિરાલીબેન પટેલ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારીને ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશી સામાન વેર વિખેર કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ 4.40 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. નિરાલીબેને જ્યારે પરત આવીને જોયું તો તાળું તૂટેલું મળ્યું હતું અને ધોળા દિવસે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો…મુખ્તારને 10 વર્ષની અને અફઝલ અંસારીને 4 વર્ષની સજા
ચોરોને પકડવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ
આ મામલે નિરાલીબેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી રહી છે. ધોળા દિવસે મકાનમાં ચોરી થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. ગામજનોમાં પણ તસ્કરોનો ડર સતાવી રહ્યો છે. પોલીસ દ્વારા જલદી ચોરોને પકડવામાં આવે તેની ગામજનો માગ કરી રહ્યા છે.